ઓ પી વી - પોલિયો ના ટીપા

ભારત ભરમાં પલ્સ પોલિયો અભિયાન દ્વારા પોલિયો નાબૂદીના ખૂબ પ્રચારને લીધે હવે પોલિયો ડ્રોપ્સ વિશે ભાગ્યે જ કોઈ અજાણ હશે. બાળક્ને જન્મ પછી શરુઆતી દિવસોમાં જ બી.સી.જી. સાથે જ પોલિયોના ટીપા પીવડાવવામાં આવે છે.

પોલિયો વિશે

પોલિયો એ ખાસ પ્રકાર ના વાઈરસ થી થતો રોગ છે. આ રોગના વાઈરસ ખાસ કરીને પાંચ વર્ષથી નાની વયના બાળક્માં વિવિધ પ્રકારના લક્ષણૉ પેદા કરે છે. શરુઆતી સમયમાં શરદી –ઉધરસ – તાવ આવે છે અને બાદમાં પગ –  હાથ કે આખુ શરીર ખૂબ દુઃખે છે અને પછી ખોટુ પડી જાય છે. મહદ અંશે પગમાં કે કમરથી નીચેના ભાગમાં લકવાની અસર રહી જાય છે. આવા લકવાગ્રસ્ત એક કે બંને પગનો વિકાસ અન્ય સાજા પગની સરખામણીએ ઓછો વિકસીત રહી જાય છે અને તેના સ્નાયુ ઓ કોઈ કામ કરવાને સક્ષમ હોતા નથી. બાદમાં ઓપરેશન કે દવાથી પણ આ ખોટ સારી કરી શકાતી નથી. જ્યારે પોલિયોનુ વધુ ભયંકર રુપ જ્યારે તે ડોક ની નીચેના તમામ ભાગને લાગુ પડે છે ત્યારે થાય છે. આમાં શ્વસનના સ્નાયુઓ અને ઉરોદર પટલ કાર્ય કરતા અટકી જતા હોય છે તેથી આવા દરદીને શ્વસન માટે કૃત્રિમ શ્વસોચ્છ્વાસ પર રાખવુ પડે છે અને દરદી જીવે ત્યાં સુધી પથારી વશ રહે છે અને મોટા ભાગના દરદીઓ મૃત્યુ પામે છે. બીજા વિશ્વયુધ્ધ પછીના સમયમાં આવા અનેક દર્દી જોવા મળેલા. હાલ યુરોપ અને અમેરીકા જેવા ઘણા ખરા પશ્ચિમ ના દેશોએ હાલ પોલિયો નાબુદ કરેલ છે. ભારત, પાકિસ્તાન નાઈજીરીયા અને અફઘાનિસ્તાન જેવા માત્ર ચાર દેશોમાં હજુપણ પ્રતિ વર્ષ પોલિયોના ઘણા કેસો થાય છે જે એક દુઃખની વાત છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી પોલિયો નાબુદ કરવાના અભિયાનમાં ભારત સરકાર – સ્વૈચ્છીક સંસ્થાઓ – યુનિસેફ- વિશ્વ આરોગ્ય સંસ્થા સંયુક્ત રીતે કાર્યરત છે અને આશા છે કે તેમના સઘન પ્રયાસોથી આપણે જરુર આ મહામારીને નાબૂદ કરી શકીશુ.

યાદ રાખો - પોલિયો રોગનો કોઈ ઈલાજ નથી માત્ર તેને રસીકરણથી અટકાવી શકાય છે.

રસીનો પ્રકાર જીવિત રસી (Live attenuated vaccine)
આપવાની ઉંમર સામાન્ય રીતે જન્મ થી સાત દિવસમાં બી.સી.જી.ની રસી સાથે અપાય છે. જેને ‘ 0 ‘ ઝીરો ડોઝ પોલિયો કહેવાય છે.આ ઉપરાંત બાળકની છ-દસ અને ચૌદ અઠવાડીયાની ઉંમરે ડી.પી.ટી. ઈંજેક્શન સાથે દોઢ વર્ષ અને પાંચ વર્ષની ઉંમરે ડી.પી.ટી.ના બુસ્ટર ઈંજેક્શન સાથે
કુલ ડોઝ 2 ટીપા / ડોઝ (જન્મ સમયે, દોઢ માસે, અઢી માસે, સાડાત્રણ માસે, દોઢ વર્ષે, પાંચ વર્ષે)
કેવી રીતે અપાય છે મોં વાટે

ધ્યાન રાખવાની બાબતો

  1. નવજાત શિશુને પણ જન્મ પછી થોડા કલાકોમાં પણ પોલિયોના ટીપા આપી શકાય છે . પોલિયોના ટીપા આપ્યા બાદ બાળકને ધવડાવી શકાય છે પરંતુ દવા કે અન્ય પદાર્થ કે ગરમ વસ્તુ અડધા કે એકાદ કલાક પછી આપવી.
  2. પલ્સ પોલિયોના અભિયાન દરમ્યાન બાળકને પોલિયો બુથ પર ટીપા પીવડાવવા.
  3. પોલિયો ટીપા - પોલિયો ઈંજેક્શન સાથે આપી શકાય છે. ભારતમાં હાલ દરેક માતાપિતા સાથે ચર્ચા કરયા બાદ આ રીતે રસીકરણની ભલામણ આઈ.એ.પી એ કરેલ છે.
  4. અમેરીકા જેવા અનેક દેશોકે જ્યાં પોલિયો નાબૂદ થયેલ છે ત્યાં હાલ પોલિયો ટીપા અપાતા નથી .પરંતુ પોલિયો ઈંજેકશન અપાય છે - જે વિદેશી નાગરીકો એ યાદ રાખવુ.
  5. પોલિયો રસીકરણ માટે જરુરી છે કે પોલિયો રસીના ટીપાને યોગ્ય ઠંડા તાપમાને જાળવવામાં આવે. જે ખાસ કરીને કેમ્પ માં રસીકરણ વખતે આયોજકોએ યાદ રાખવુ.

ઓરલ પોલિયો(ટીપા) રસીકરણ ની અસરકારકતા

પોલિયોના ટીપામાં કુલ ત્રણ પ્રકારના વાઈરસો આપવામાં આવેછે અને દરેક ની સામે પેદા થતી પ્રતિકાર શક્તિનુ પ્રમાણ અલગ અલગ છે. ઘણા બધા ઓરલ પોલિયો ડોઝ પછી આ ત્રણે વાઈરસ સામે 90 થી 95 % રોગ પ્રતિકારક શક્તિ પેદા થતી હોય છે.  જ્યારે  પોલિયો ઈંજેક્શન દ્વારા 3 ડોઝ આપવાથી 99% રોગપ્રતિકારક શક્તિ પેદા થતી હોય છે.