બી સી જી

આ રસી તેના શોધકો આલ્બર્ટ કામેટ અને કેમેલે ગ્વારીન ના નામ પરથી ‘બેસીલે કામેટ ગ્વારીન’ (Bacillus Calmette Guerin) નું સંક્ષિપ્ત નામ બી. સી. જી. (B.C.G.) તરીકે ઓળખાય છે. તે ટી.બી. (ક્ષય રોગ) સામે  બાળકના શરીરમાં રોગ  પ્રતિકારક શક્તિ પેદા કરે છે.

ટી.બી. રોગ વિશે ટૂંકમાં

ભારત માં હાલ ટી.બી.(ક્ષય રોગ)  ના કુલ દર્દીના 20 % જેટલા કેસ બાળ દર્દીના છે. ટી. બી. ભારતમાં જોવા મળતો  એક ખૂબ ફેલાયેલો રોગ છે જેના પુખ્ત વયના દર્દીઓ ના સંપર્કથી સામન્યરીતે બાળકોને આ રોગ થાય છે. ટી.બી. હવા દ્વારા  શ્વાસથી ફેલાતો રોગ છે.

આ રોગ બાળકોમાં વિવિધ સ્વરુપે હાનિ પહોંચાડે છે. મગજ નો ટી.બી. થવાથી બાળક ને ખેંચ આવી શકે- હાથ પગનો લકવો –માનસિક રીતે મંદ બુધ્ધિ કે અન્ય હાનિ થઈ શકે છે અને ઘણા ખરા કેસમાં બાળકનુ મૃત્યુ થઈ શકે છે. દવાઓ હોવા છતા આ રોગ થયા પછી  સારવાર ખૂબ અઘરી અને પરિણામ શૂન્ય હોય છે. ફેફસાનો ટી.બી બાળકમાં  શ્વસન તંત્રના રોગના લક્ષણ પેદા કરે છે જેવાકે લાંબા સમયની ખાંસી- કફ – શ્વાસમાં તકલીફ વિ. જોકે મોટા ભાગના દર્દીઓને સામાન્ય તકલીફ સાથે ઉંમર સાથે યોગ્ય  વિકાસ ન થવો – ભૂખ ન લાગવી – ઝીણો તાવ રહેવો કે વારંવાર બિમાર પડવા જેવી ની મુખ્ય તકલીફ જોવા મળે છે.

રસીનો પ્રકાર જીવિત રસી (Live attenuated vaccine)
આપવાની ઉંમર સામાન્ય રીતે જન્મ થી સાત દિવસમાં આપવુ યોગ્ય છે. પરંતુ ઘણી વાર દોઢ માસે પણ અન્ય રસીકરણ સાથે આપી શકાય છે . પાંચ વર્ષથી નાના કોઈ પણ બાળકને આ રસીકરણ કરી શકાય છે.
કુલ ડોઝ 1(0.1ml)
ક્યાં અપાય છે ડાબા ખભા માં બાહ્ય ભાગ પર ડેલ્ટોઈડ(deltoid) સ્નાયુ પર
કેવી રીતે અપાય છે ત્વચા માં (intradermally)

ધ્યાન રાખવાની બાબતો

  1. રસીકરણ પછી તે જગ્યા પર કંઈ જ એંટીસેપ્ટીક દવા કે અન્ય પદાર્થ ન લગાવશો કે શેક ન કરશો
  2. રસીકરણ ની જગ્યાએ તરત ચોળવુ કે ઘસવુ નહી. બીજા દિવસથી બાળકને નવડાવી શકાય છે.
  3. રસીકરણ ની જગ્યાએ એકાદ મહિના બાદ એક નાની ફોલ્લી દેખાશે જેમાં પાણી ભરાઈ ને ફૂટવાની ઘટના બીજા એકાદ મહિનામાં બનશે અને આખરે તે જગ્યા પર નાનો સફેદ ડાઘ રહી જશે જે શરીરની અંદર રોગપ્રતિકારક શક્તિ જ્ન્મવાની પ્રક્રિયા સૂચવે છે. આ ફોલ્લી થવી અને ફૂટવી એક સામાન્ય ક્રિયા છે અને તેનાથી ગભરાઈ જવુ નહિ. જ્યારે ફોલ્લી ફૂટે ત્યારે એ જગ્યાને એંટીસેપ્ટીક સોલ્યુશન કે ગરમ પાણીથી સાફ કરી ડ્રેસીંગ કરી નાખવુ.
  4. ઘણી વાર રસીકરણ પછી ફોલ્લી ન પણ થાય કે માત્ર નાની ફોલ્લી થાય તો પણ રસીથી પેદા થનાર રોગ પ્રતિકારક શક્તિ મોટા ભાગના બાળકોમાં પેદા થઈ જતી હોય છે. જો આપને વધુ ચિંતા થતી હોય તો 3 મહિના બાદ બાળ રોગ વિશેષજ્ઞનો  અભિપ્રાય લેવો. જો એમને જરુર જણાય તો ખૂબ આસાનીથી ફરી વખત રસીકરણ કરી શકાય છે.
  5. ઘણી વાર રસીકરણ પછી બાળકને બગલમાં ગાંઠ થઈ શકે છે. આ માટે વિશેષજ્ઞનો અભિપ્રાય લેવો. મોટાભાગના આવા કિસ્સામાં કોઈ જ દવા કે ટ્રીટમેંટ કે તપાસ જરુરી નથી હોતી અને તે આપોઆપ થોડા સમય પછી મટી જાય છે પરંતુ આ સમય દરમ્યાન નિષ્ણાતની દેખરેખ હેઠળ બાળક રહે તે જરુરી છે .
  6. બી.સી. જી. ની રસી અમુક ખાસ પ્રકારના રોગ ગ્રસ્ત બાળકો (જેમની રોગપ્રતિકારક શક્તિ ખૂબ ઓછી છે.) આપી ન શકાય જોકે આ માટે સ્થળ પર હાજર વિશેષજ્ઞની સલાહ લેવી. બીસી.જી. ની રસી અન્ય જીવિત રસી જેવી કે ઓરી કે અછબડાની રસી સાથે ન આપી શકાય. આ માટે .બંને રસી વચ્ચે ઓછામાં ઓછુ ચાર થી છ અઠવાડીયાનુ અંતર જરુરી છે.

બીસી.જી ની અસરકારકતા

બીસી.જી. ની રસી બાળકમાં  મગજના ટી.બી. સામે મહદ અંશે (50-80 %) અને ફેફસાના ટી.બી. સામે 50% જેટલી રોગપ્રતિકારકતા પેદા કરવામાં મદદરુપ થાય છે. આમ તે ઉપયોગી રસી છે. ભારતમાં ટી.બી.નુ વધુ પ્રમાણ હોઈ આ રસી જેટલી જલ્દી આપી શકાય તેટલુ સારુ આથી જન્મ પછી તરત આપવામાં આવે છે.